- મશીનમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લેટ સહિતની ચીજો નાખતાં જ વિવિધ ડિસ્કાઉન્ટ કૂપન મળશે
- પ્રોજેક્ટ સફળ રહ્યો તો ગાંધીનગર તમામ વોર્ડમાં મશીન મૂકવામાં આવશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત બોટલ રીસાઇકલિંગ મશીનનું લોકાર્પણ કરી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મશીનની વિશેષતા જોઈએ તો કોઈપણ પાણી બોટલ, પ્લેટ, ચમચી સહિત પ્લાસ્ટિકની ચીજો મશીનમાં સપ્લાય કરવામાં આવે તો તેની સામે એટલા રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન મળી રહે છે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા પછી કોર્પોરેશન હદ વિસ્તારના તમામ વોર્ડ મશીન પણ મૂકવામાં આવનાર છે.
પ્લાસ્ટિકએ પોલિમર છે જે બિન-બાયોડિગ્રેડેબલ પદાર્થ તરીકે ઓળખાય છે જે આસપાસના માટે જોખમી છે. બાયોડિગ્રેડેબલ પદાર્થો કરતાં પ્લાસ્ટિક વધુ કુદરતી રીતે વિઘટન કરી શકશે નહીં. હાલમાં આપણે વિશ્વમાં કરોડોની પ્લાસ્ટિકની વસ્તુઓથી ઘેરાયેલા છીએ.
આપણા જીવનમાં પ્લાસ્ટિકની મોટી ભૂમિકા છે, જેમાં પ્લાસ્ટિકની બોટલથી લઈને ટૂથબ્રશ, ટૂથપીક્સ, ડોલ, ટબ, કન્ટેનર, પોલિબેગ અને વધુ છે. વર્ષોથી પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે અને હવે સમય આવી ગયો છે કે આપણે તેમના વિના જીવી ન શકીએ. પ્લાસ્ટિક એ જાણીતું બિન-બાયોડિગ્રેડેબલ પદાર્થ છે જેનો અર્થ છે કે તેને કુદરતી રીતે તોડી શકાતું નથી. પ્લાસ્ટિક પણ એક ઝેરી પદાર્થ છે કારણ કે તે જ્યારે વાતાવરણમાં ભળી જાય છે ત્યારે તે પ્રદૂષણનું કારણ બને છે.
આ સમસ્યાના નિરાકરણ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત સૌ પ્રથમવાર પાયલોટ પ્રોજેક્ટ તરતો મૂકવામાં આવ્યો છે. જે અન્વયે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા તેમજ સ્ટે. સમિતિના ચેરમેન જશવંતભાઈ પટેલની હાજરીમાં પ્લાસ્ટિક વેસ્ક કલેક્શન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરમાં વેસ્ટ પ્લાસ્ટિક બોટલના યોગ્ય નિકાલ અને તેના રીસાઇકલિંગ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ અંગે ગાંધીનગર મહા નગરપાલિકાના એનવાયરમેન્ટ મેનેજમેન્ટનાં સૂત્રોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, UNDP , CTSI અને NAYARA ENERGY સાથેની ભાગીદારીમાં સ્વચ્છ હાલાર- ઈન્ટીગ્રેટેડ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ પ્રમોશનનો અમલ કરી રહી છે. જેના અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન મશીન લગાવવામાં આવ્યા છે. હાલ મહાનગરપાલિકાના સહયોગથી પ્રાયોગિક ધોરણે બે રિવર્સ વેન્ડિંગ મશીન (RVM) ઇન્સટોલ કરવામાં આવ્યા છે.
આ મશીનમાં પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક જમા કરી શકાય છે. મશીનમાં બેગ કે બોટલ નાખનારને પુરસ્કાર સ્વરૂપે વિવિધ ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવે છે. રિવર્સ લોજિસ્ટિક મોડલ હેઠળ રિવર્સ વેન્ડિંગ મશીન (RVM) દ્વારા પ્લાસ્ટિકની બોટલ અને બેગની રિસાયક્લિંગ અને પુનઃઉપયોગને પ્રોત્સાહન મળે છે. જેથી પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવી શકાય છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે આ મશીન લગાવવામાં આવ્યા છે. જેમાં એક મશીન મનપા કચેરી અને બીજું મશીન ઈન્ફોસિટી ખાતે હાલમાં કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ સફળ થયે શહેરના વિવિધ વિસ્તારમાં આવા મશીન લગાવવાની પણ વિચરાણા કરવામાં આવી રહી છે.
વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં ઝોમેંટો, સ્વિગી, પેટીએમ સહિત ની મોટી કંપનીઓની ડિસ્કાઉન્ટ કૂપન ઉપલબ્ધ છે. પરંતુ આગામી દિવસમાં ગાંધીનગરના વેપારીઓ સાથે હોટલ સહીતના વેપારીઓ સાથે પરામર્શ કરીને ડિસ્કાઉન્ટ કૂપન નગરની જનતાને મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે પછીથી ગાંધીનગરનાં અન્ય સ્થળોએ પણ આ મશીન મૂકવામાં આવશે.
Blog Source: https://divya-b.in/XjXxnVjvRpb